શાળા

        ખંભાતના અખાતની નજીક પવિત્ર મહીસાગર નદીના તટ પર આવેલ બદલપુર એક  પોરાણિક ગામ છે. સ્કંદપુરાણમાં ઉલ્લેખ છે કે બદલપુર ગામનું નામ બર્કરેશ્વર મહાદેવના મંદિર ઉપરથી પડેલું છે. આઝાદીના જંગમાં પણ આ ગામના પૂર્વજોએ ભાગ લિધો હતો. અંગ્રેજોના શાસનકાલ દરમિયાન બદલપુર ધીકતું બંદર હતું. આ ગુલામી કાળમાં સને ૧૯૦૯ માં પ્રાથમિક શિક્ષણની શરૂઆત થઇ. એકાદ ધૂપિયા ઓરડાથી શરૂ થયેલી શાળામાં ગાંધીટોપી, પહેરણ અને ધોતીથી સજ્જ ગુરુજીઓ ગાંધીમૂલ્યો  અને ધાર્મિક સંસ્કારોનું સિંચન શિક્ષણમાં સહજતાથી વણી લેતા હતા.બુનિયાદી તાલીમ આ શાળાનો પ્રાણ હોવાથી સ્વાવલંબી શિક્ષણ પણ અપાતું.ગાંધીજીના ખાદી પ્રચાર ના રચનાત્મક કાર્યક્રમને શાળાએ સ્વીકાર્યો હતો. તેથી દરરોજ કાર્યનુભાવના તાસમાં કપાસ લોઢવો, કીરી વીણવી, રૂ પીજવુ, પૂણી બનાવવી તથા કાંતવું એવી પ્રવૃત્તિઓ ધમધોકાર ચાલતી હતી. ધો. ૧ થી ૩ માં તકલીથી તો ધો. ૪ થી ૬ માં રેટિયાથી કાંતવાની પ્રવૃત્તિ થતી.ધો. ૭ માં ખાદી વણવાની પ્રવૃત્તિ થતી. આજ સુધી વણાટ શાળા હયાત હતી.કાંતણની હરીફાઈમાં જિલ્લા કક્ષા સુધી શાલ અવ્વલ નંબરે રહેતી. આજે પણ કન્યાઓ ગરબાની કે ખો-ખો ની સ્પર્ધામાં અચૂક નંબર લાવે છે.
        બીજમાંથી વટવ્રુક્ષ બનેલી આ શાળામાં આજે ૨૬ ઓરડા છે. લીમડાનાં વિશાળ વ્રુક્ષો આશ્રમશાળા જેવું વાતાવરણ પુરુ પાડે છે.ફૂલછોડ અને ભીંતચિત્રોથી શાળાનું પર્યાવરણ વિશેષ નિખરી રહ્યું છે.ઉચ્ચ શૈક્ષણીક લાયકાતો ધરાવતો ૨૧ શિક્ષકો તથા ૮૫૦ વિદ્યાર્થીઓ શિક્ષણ અને શિક્ષણેત્તર પ્રવૃત્તિઓમાં હૃદયપૂર્વક સંલગ્ન રહે છે.સંપ,સુહૃદયભાવ અને એકતા શિક્ષકગણનો જીવનમંત્ર છે. શાળા પંચાયત, ગણિત-વિજ્ઞાન મંડળ, ભાષા મંડળ, પ્રાર્થના સંમેલન, વળી- માતૃ સંમેલન, પ્રવાસ-પર્યટન,રમત-ગમત, વિવિધ હરીફાઈઓ, ઉત્ત્સવ ઉજવણી જેવી પ્રવૃત્તિઓથી શાળા ધમધમતી રહે છે.સાંસ્કૃતિક કાર્યક્રમો શાળાની વિશિષ્ટ ઓળખ છે.કમ્પ્યુટર લેબ, વિજ્ઞાન લેબ, સામાજિક વિજ્ઞાન રૂમ,પુસ્તાક્લય વગેરેનો વિદ્યાર્થીઓભરપૂર લાભ લે છે. ગ્રામજનોના આત્મીય સહકારનું ઉત્તમ ઉદાહરણ અમારા પ્રાર્થના હોલનું નિમાર્ણ છે.૫૦૦૦ ચો.ફૂટનો આ વિશાળ પ્રાર્થના ખંડ ફક્ત લોકભાગીદારીથી ગ્રામજનોના સહકારથી બનીને પૂર્ણતાના આરે પહોંચેલ છે. આદરણીય અધિકારીશ્રીઓ તથા આદરણીય પદાધિકારીશ્રીઓનો પણ ખૂબ સહકાર મળી રહેલ છે.
         સાચા અર્થમાં બાળક-પાલક-શિક્ષક અને સંચાલનના સુમેળથી અમારી પે સેન્ટર ગૃપ શાળા બદલપુર પ્રગતિના પંથે છે.  

No comments:

Post a Comment